સેક્સ અને ભારતીય સમાજ BY ; KALPESH SONI


સેક્સ અને ભારતીય સમાજ

Is an excelent article written by Blogger Friend Kalpesh Soni and this is from His Blog for readers to judge As it is.        ….  Santosh Bhatt…

BY ; KALPESH SONI

જાતીય અથવા કામ(sex) વિષયક બાબતો અંગે ભારતીય સમાજ બહુધા આભડછેટભર્યું વલણ ધરાવે છે. સામાન્ય માણસ જાતીય પ્રશ્નો અંગે માર્ગદર્શન ક્યાંથી અને કેવી રીતે મેળવવું એ બાબત નિર્ભયતા-નિખાલસતા-નિસંકોચતાથી પુછી શકતો નથી. પુસ્તકો તેમજ શિલ્પસ્થાપત્યો દ્વારા ભારતીય સાંસ્કૃતિક વારસો કામશાસ્ત્ર વિશે વૈજ્ઞાનિક જ્ઞાન પુરૂં પાડી શકે તેમ છે, પરંતુ સામાન્ય માણસ એમાંથી સમજણ મેળવી શકે એટલો તૈયાર થયો નથી.
પુસ્તકો તેમજ શિલ્પસ્થાપત્યો દ્વારા કામશાસ્ત્રનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની તક, તેમાં રુચિ ઉભી થાય તેવા પ્રયાસો ભારતમાં લભ્ય નથી. પરિણામે જાતીય બાબતો અંગે ભારતીય સમાજમાં ઘોર અંધારુ પ્રવર્તે છે.(ભારતીય સંસ્કૃતિ જાતીય બાબતોની જાહેરચર્ચાની વિરુદ્ધમાં છે.)

કામશાસ્ત્રના વૈજ્ઞાનિક જ્ઞાનના અભાવને કારણે ઘેટાં-બકરાં કે કીડી-મંકોડાની માફક જન્મતા ને મરતા સત્વહીન, દુર્બળ અને માયકાંગલાં માણસો પોતાની હયાતિનો કોઈ ખાસ હેતુ દર્શાવ્યા વિના જ ખતમ થાય છે. કામશાસ્ત્રનું ધ્યેય સત્વશીલ, સંસ્કારી, ઉચ્ચ, આધ્યાત્મિક, દૈવી વારસો જાળવી તેનું વહન કરનારા સ્ત્રી-પુરુષો નિર્માણ કરવાનું હોવું જરુરી છે.

આજે ભારતીય સમાજમાં કામશાસ્ત્રનો દરજ્જો ખૂબ નીચો છે. કામ(જાતીય સુખ)ને તુચ્છ, ત્યાજ્ય, તિરસ્કૃત ગણવામાં આવે છે. આ પ્રકારના વલણની સામાજિક અસરો ઘણી બધી ગંદકી ફેલાવે છે. અપરણિત કન્યા માતૃત્વ ધારણ કરે તો સામાન્ય જન તેને કઈ નજરે જુએ છે? મહર્ષિ વેદવ્યાસ રચિત ‘મહાભારત’નું મહાન પાત્ર કુંતા ‘અપરણિત માતા’ હોવા છતાં તેને ‘સતિ’(પતિવ્રતા)નું બિરુદ મળ્યું છે.

દ્રૌપદીને પાંચ પતિ હતા, વળી તેને અર્જુન પ્રત્યે પક્ષપાત હતો છતાં તે સતિ ગણાય છે :

अहल्या द्रौपदी सीता तारा मंदोदरीस्तथा.
पंच कन्नां स्मरेन्नित्यम महापातकनाशनम.

જ્યારે ભારતીય કુટુંબોમાં આજે પણ કોઈ મા-બાપ પોતાની દીકરીનું નામ ‘કુંતા’ કે ‘દ્રૌપદી’ રાખવા તૈયાર નથી. તારા, વાલી અને સુગ્રીવ બંને સગા ભાઈઓની પત્ની તરીકે રહી છે છતાં તેની ગણના સતિમાં થાય છે. સીતાના શરીરને રાવણનો સ્પર્શ થયો, મહિનાઓ સુધી સીતા રાવણને ત્યાં રહી છતાં સીતાનું પાવિત્ર્ય અખંડ રહ્યું છે,

જ્યારે આજે માણસ પોતાને રામથીય વધુ ઉચ્ચ ગણે છે તેથી રામે જે રીતે સીતાનો સ્વીકાર કર્યો એ રીતે પોતાની પત્નીને સ્વીકારવા તૈયાર થતો નથી. આ એક જાતનો ઘમંડ છે જે જાતીય બાબતો પ્રત્યેની ગેરસમજમાંથી જન્મ્યો હોય છે. દ્રૌપદીએ એક વખત જાહેરમાં કહ્યું હતું કે પુનર્જન્મમાં તે નારદને પતિ તરીકે ઇચ્છે છે. પોતાને આધુનિક ગણતી કોઈ સ્ત્રી આજે નિર્ભયતાથી, મોકળાશથી, નિખાલસતાથી, નિઃસંકોચ બનીને આવું કહી શકે ખરી? આજે સ્ત્રી જો આવું બોલે તો તેની શી દશા થાય?

નારદ નિઃસંકોચપણે અપ્સરાને પુછી શકે છે, “સ્ત્રીને કોઈ પુરુષ ગમી જાય તો તે કઈ શારિરીક અસર અનુભવે છે?” જેના જવાબમાં એટલી જ નિઃસંકોચતાથી અપ્સરા જવાબ આપતા કહે છે, “સ્ત્રીને કોઈ પુરુષ ગમી જાય તો તેના યોનિમુખમાંથી પ્રવાહી ટપકવાનું શરું થાય છે.”

યક્ષ યુધિષ્ઠિરને પુછી શકે છે કે સંભોગ દરમિયાન વધુ આનંદ કોને થાય છે: સ્ત્રીને કે પુરુષને? જેનો વિસ્તારથી જવાબ આપતી વખતે યુધિષ્ઠિર એવું નથી વિચારતા કે યક્ષ પોતાના જેવા મહાપુરુષને આવો હીન પ્રશ્ન કેમ પુછી શકે. કુંતાને પેટે જન્મેલા ત્રણ પુત્રો: યુધિષ્ઠીર, ભીમ અને અર્જુનમાંથી એકેય પુત્ર કુંતાને પોતાના પતિ પાંડુથી જન્મ્યો ન હતો કારણ કે પાંડુરાજાને ઋષિનો શાપ હતો કે, જો તે રતિક્રિડા કરશે તો તરત જ તેના મસ્તકના ચુરેચુરા થઈ જશે અને તેનું મૃત્યુ થશે.(આજના વૈજ્ઞાનિક યુગમાં કહેવું હોય તો કહી શકાય કે પાંડુને એવો રોગ થયો હતો કે તે જો જાતીય સુખ માણવા જાય તો તેનું તત્કાળ મૃત્યુ થાય.)

પરપુરુષથી પોતાને ત્રણ વત્તા એક(કર્ણ) ચાર સંતાનો છે એ બદલ કુંતાને પોતા પ્રત્યે કે સમાજને કુંતા પ્રત્યે હીનતાની લાગણી ન હતી.

મહાભારતકાળમાં પતિ સંતાન આપવા માટે અસમર્થ હોય તો વારસદાર પ્રાપ્ત કરવાના હેતુથી તેની પત્ની, પતિની આજ્ઞાથી અથવા સંમતિથી અન્ય પુરુષ દ્વારા સંતાન પ્રાપ્ત કરતી. આ પદ્ધતિ નિયોગ પદ્ધતિ તરીકે ઓળખાતી. આ માટે ‘અન્ય’ પુરુષના ચરિત્રને પ્રથમ ધ્યાનમાં લેવાતું.

અંબા, અંબિકા અને અંબાલિકાને તેઓના એક માત્ર પતિ વિચિત્રવીર્યથી કોઈ સંતાન ન થયાં ત્યારે મહર્ષિ વેદ વ્યાસ ખુદ નિયોગ પદ્ધતિથી ત્રણેય સાથે સંબંધ કરે છે જેનાં પરિણામે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર જન્મે છે. મહર્ષિ વેદવ્યાસના પિતા પરાશરમુનિ માછીમારની પુત્રી મત્સ્યગંધા સાથે પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં(Love at first sight) પડે છે અને એ બન્નેના શરીરસુખનું પરિણામ એટલે મહર્ષિ વેદવ્યાસ.

જેનાં નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એ ભરત, દુષ્યંત-શકુંતલાનો પુત્ર હતો. દુષ્યંત કણ્વ ઋષિનાં આશ્રમ વિસ્તારમાં પ્રવેશે છે, કણ્વપુત્રી શકુંતલાને જુએ છે, તેના પ્રેમમાં પડે છે. શકુંતલાની પણ એ જ સ્થિતિ હતી. બન્ને તરત જ શરીર-સંબંધથી જોડાય છે(ગાંધર્વ લગ્ન) જેના પરિણામે ભરતનો જન્મ થાય છે.

પોતે બીજા લગ્ન કર્યા તેથી પ્રજા પોતાનો વિરોધ કરશે એવા ડરથી શરુઆતમાં રાજા દુષ્યંતે શકુંતલાને પત્ની તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આવા કિસ્સાઓની ચર્ચા કરવાથી આપણને ખબર પડે છે કે જાતીય બાબતો પ્રત્યે આજના સમાજમાં જે અસ્પૃશ્યતાલક્ષી વલણ અપનાવવામાં આવે છે એ બરાબર નથી.

પતિ-પત્ની પરસ્પર કામશાસ્ત્રને લગતી ચર્ચા કરવામાં શરમ કે અપરાધભાવ અનુભવે, પત્નીના મુખે પર-પુરુષના વખાણ પણ ન સાંભળી શકે તેમજ સંતાન પ્રાપ્તિ માટે અસમર્થ હોય એવો પતિ માલિકીભાવના કારણે અન્ય પુરુષ દ્વારા પત્નીને પ્રાપ્ત થતા સંતાનસુખથી વંચિત રાખે, પતિ સંમતિ આપે તો પણ નિયોગ પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્ત કરવામાં પત્ની પાપકર્મ કરી રહી હોય એવો ભાવ અનુભવે

– જાતીય બાબતો પ્રત્યે આવું જડ વલણ સમાજની સંકુચિત મનોવૃત્તિ દર્શાવે છે. કુંવારી કન્યા પર બળાત્કાર થયો હોય તો તેવી છોકરી એ વાત છુપાવ્યા વગર લગ્ન કરી શકે? કોઈ યુવાન આવી યુવતીને પોતાની પત્ની તરીકે સ્વીકારે ખરો?

પત્ની પર બળાત્કાર થાય અથવા પતિને પત્ની પર પૂર્વે બળાત્કાર થયાની જાણ થાય તો પતિ-પત્નીનું જાતીય જીવન સ્વસ્થ રહી શકે ખરું? બળાત્કાર થયા બાદ અપરિણિત કન્યાનું, અપિણિત માતા બનેલી કન્યાનું સમાજમાં કેવું સ્થાન હોય? શું સમાજ તેનો સ્વીકાર કરે ખરો? પતિ-પત્નીના પરસ્ત્રી-પુરુષ સાથેના જાતીય સંબંધો એકબીજાના ધ્યાનમાં આવે તો થયેલા આઘાતમાંથી સ્વસ્થ થઈને પૂર્વવત જીવી શકાય કે કેમ?

જુના કાળમાં પુરુષ અનેક પત્નીઓ કરતો. એનો અર્થ એવો નહિ કે એની પત્નીને એ ગમતી વાત હતી. પરંતુ પત્ની પરિસ્થિતિને સ્વીકારી લેતી હતી અને આનંદપૂર્વક સ-પત્ની સાથે રહેતી હતી. આજે એવું નથી. પોતે ન ઓળખતી હોય એવી સ્ત્રી સામે જોઈને પતિ હસે એ બાબત પણ પત્ની સહન ન કરી શકતી હોય તો પતિ એ સ્ત્રીને ઘરમાં લાવે એ તો શક્ય જ નથી.

કોઈ પુરુષને પોતાની પત્નીના અન્ય પુરુષ સાથેના શરીર-સંબંધની જાણ થાય તો તેને આઘાત લાગે છે. આ આઘાત શેનો છે? બેવફાઈનો. પોતે માનતો હતો કે પત્ની પોતાને સમર્પિત છે, વફાદાર છે અને નવી જાણેલી વાત પોતાના વિશ્વાસનો ભંગ કરનારી છે.

પત્ની પ્રત્યેના એકાધિકારનો ભંગ થયો જાણીને પતિ વ્યથિત થાય છે. પતિ માને છે કે પત્નીએ પરપુરુષને સમર્પણ કર્યું છે અને એ બન્નેએ(પત્ની અને પર પુરુષે) ભેગા મળીને, પત્નીને આનંદ આપવાના પોતાના સામર્થ્યને પડકાર્યું છે. પત્નીને પોતાના પતિ કરતા પરપુરુષ વધુ પ્રિય લાગ્યો એમ વિચારીને પતિ વારંવાર આઘાત પામે છે.

પરંતુ વાસ્તવમાં એવું કશું હોતું નથી. જેવી રીતે પુરુષ પરસ્ત્રી સાથે શરીરસંબંધ બાંધે છે ત્યારે તેને ભોગવી લઈને છોડી દેવાની ભાવના રાખે છે તેવી રીતે સ્ત્રી પણ પરપુરુષને ભોગવી લેવાની જ વૃત્તિ ધરાવતી હોય છે. સ્ત્રી બેવફા થઈ એ વાત સાચી પરંતુ પરપુરુષ પ્રત્યે સમર્પણ કે તે પ્રિય લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો કે આનો અર્થ એવો નથી કે સ્ત્રી-પુરુષને પરસ્ત્રી-પુરુષ સાથે માત્ર જાતીય આનંદ માટે શરીરસંબંધ બાંધવાની છૂટ છે.

જાતીય બાબતો અંગે માર્ગદર્શન મેળવવા પશ્ચિમના વિદ્વાનો તરફ નજર દોડાવવાની જરુર નથી. આપણાં સાંસ્કૃતિક વારસામાંથી જ આપણને ઉકેલ મળી જાય તેમ છે. ભારતીય ઇતિહાસનાં જ્વલંત તેજસ્વી પાત્રો જાતીય બાબતો અંગે ઉદાર હોવા છતાં તેટલાં જ મહાન અને પવિત્ર ગણાય છે. શ્રીમદભગવદગીતા કહે છે :
मम योनिर्महदब्रह्म तस्मिंगर्भं दधाम्यहम.
संभवः सर्वभूतानाम ततो भवति भारतः. (14/3)

જેનો અર્થ થાય છે : “મારી વિશાળ(મહત) બ્રહ્મ(નામની) યોનિમાં ગર્ભસ્થાપન કરનાર હું બીજપ્રદ પિતા છું તેથી સર્વ જીવો ઉત્પન્ન થાય છે.” આથી કહી શકાય કે સૃષ્ટિની રચના કરતી વખતે જગન્નિયંતાએ વિજાતીય જનનેન્દ્રિયના મિલનનું કાર્ય કર્યું જ હતું. આ કાર્ય દ્વારા ઇશ્વર આપણને જણાવવા માંગે છે કે જનનેન્દ્રિયનું મિલન જીવના સર્જન માટે જ છે, જવાબદારી વગરની જાતીય ભૂખ સંતોષવા માટે નથી.

માણસ સિવાયના, સૃષ્ટિના તમામ જીવો આ નિયમનું પાલન કરી રહ્યા છે. માણસે જાતીય સુખ મેળવવામાં અતિરેક કર્યો છે.

વિદ્યાનગર આર્ટ્સ કૉલેજમાં હું તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન વિષયનો ટેમ્પરરી લેક્ચરર હતો ત્યારે ત્યાં ભાવનગર યુનિવર્સિટીના રીટાયર્ડ વાઈસ ચાન્સેલર પણ એમ.એ.માં તત્વજ્ઞાન વિષય શીખવવા આવતા હતા. તેઓએ પોતાને મુંઝવતો એક પ્રશ્ન (કદાચ મને ચકાસવા માટે પણ હોઈ શકે.) પૂછ્યો હતો : “શું શરીરસંબંધ તુચ્છ બાબત નથી? કારણ કે એમાં વ્યક્તિ, માણસ મટીને બીજાના ભોગનું સાધન બની જાય છે.

માણસનું અવમૂલ્યન થાય છે.” એ વિદ્વાને ઉઠાવેલા પ્રશ્નનો જવાબ આપી શકાય એમ છે : પતિ-પત્ની આનંદ ‘મેળવવા’ માટે પરસ્પર સ્પર્શતા હોય ત્યારે તેઓ માણસ મટીને એકબીજાના ભોગનું સાધન બની જાય છે પરંતુ બન્ને એકબીજાને આનંદ ‘આપવા’ માટે તત્પર હોય તો આનંદ તો બન્નેને મળે જ છે, સાથે-સાથે માણસ તરીકે તેઓનું મુલ્ય યથાવત રહે છે. આવા આનંદને સંભોગ=સમ+ભોગ(બન્નેને સારી રીતે ઉત્તમ આનંદ પ્રાપ્ત થવો) કહેવાય છે.

ફરક માત્ર દૃષ્ટિકોણમાં છે અને આ ફરક થવો ઘણો મુશ્કેલ છે. આમ, કામશાસ્ત્ર અંગે આપણે જાગૃતિ કેળવીએ અને સ્વસ્થ શરીર તેમજ સ્વસ્થ મન રાખીને જીવનનો આનંદ માણીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.

http://vicharo.com/2010/10/11/sex-bhartiya-samaj/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: