ખોખલી ઘર્મનિર૫ેક્ષતાએ જ આ દેશનો દાટ વાળ્યો છે. સ્વાતિ જાની


ખોખલી ઘર્મનિર૫ેક્ષતાએ જ આ દેશનો દાટ વાળ્યો છે
ઘર્મ અને રાજકારણને ઘનિષ્ઠ સંબંઘ હતો, છે અને રહેશે

– સ્વાતિ જાની
‘હુંહિન્દુ છું, કારણ કે મારા બધા જ પૂર્વજો હિન્દુ હતા. એમણે જે સંસ્કૃતિ અને સિઘ્ધાંતો મને આપ્યા છે એ માટે મને માન છે.’’ આ ઉદ્ગાર છે એક  મુસલમ  મહમ્મદ કરીમ ચાગલાના. આવા ઉમદા મુસલમાનને તો પ્રત્યેક હિન્દુ પણ સગા ભાઇની જેમ ભેટી પડે, જેણે હિન્દુઓને સન્માન્યા છે, હિન્દુઓ સાથે ભાઇચારો રાખ્યો છે તેને હિન્દુ પ્રજાએ સર્વથા બમણો પ્રેમ-આદર આપ્યા છે. કારણ કે હિન્દુ એ એક કોમ અને જાતિ નથી પરંતુ એક વિચારધારા છે.
હજારો વરસ જૂની, પૃથ્વી પરની સૌથી પ્રાચીન, સૌથી સમૃઘ્ધ સંસ્કૃતિ છે. આ વાતનો ઇતિહાસ પણ અસ્વીકાર કરી શકે તેમ નથી.
આજે આપણા રાજકારણીઓ,  અને કેટલાંક બેવકૂફ અંગ્રેજી પત્રકારો તથા પોતે બહુ ભણ્યાગણ્યા હોવાનો અને ઉદારમત ધરાવતા હોવાનો દાવો કરે છે તેવા બુદ્ધિજીવીઓ હિન્દુ ધર્મની, હિન્દુ નેતાઓની ઠેકડી ઊડાડે છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે જેને હિન્દુ રાષ્ટ્રવાદ કહેવાય છે તે વાસ્તવમાં ભારતીય રાષ્ટ્રવાદ છે.
મુસ્લિમો, અંગ્રેજો અને બીજી અનેક પ્રજાઓએ જ્ઞાનવિજ્ઞાન, શિલ્પસ્થાપત્ય, સાહિત્ય, ખાનપાન, પહેરવેશ વગેરેમાં જે પ્રદાન કર્યું છે તે હિન્દુ કે ભારતીય રાષ્ટ્રવાદનો જ એક ભાગ છે. જેને મુસ્લિમ રાષ્ટ્રવાદ કહેવાય છે તે વાસ્તવમાં મુસ્લિમ અલગતાવાદનું રૂપાળું નામ છે. તેને હિન્દુ રાષ્ટ્રવાદની જોડાજોડ બેસાડી શકાય નહીં કે તેની સાથે સમાધાન કરી શકાય નહીં. સમાધાન કરવાના પરિણામો આઝાદી પહેલાં અને આઝાદી પછી આપણે જોતાં આવ્યા છીએ.
તાજેતરના સમયમાં વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની જે હાલત છે એ તેમની લાચારી, વિવશતા બતાવે છે. દિલગીરી હિન્દુ સમાજની પરંપરાગત નિર્બળતાનું પ્રતિક છે. હિન્દુઓ ટૂંકી અને ધૂંધળી ઇતિહાસદ્રષ્ટિ માટે કુખ્યાત છે. ઇતિહાસનો પ્રવાહ તેમની તરફેણમાં પલટાઇ રહ્યો હોય ત્યારે પણ તેઓ તેને ઓળખી શકતા નથી, તો લાભ લેવાની તો વાત જ ક્યાં રહી?
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચનો ચુકાદો   એક વાત સ્પષ્ટ કરે છે કે બાબરી મસ્જિદના સ્થળે વર્ષો જુનું એક હિન્દુ મંદિર હતું. એક ન્યાયાધીશે ફોડ પાડીને એમ પણ કહ્યું છે કે બાબરી મસ્જિદને ઈસ્લામના ધારાધોરણે વિરુઘ્ધ બાંધવામાં આવી હતી. જો આ બધી વાતનો આધાર લઈ હવે આ વિવાદાસ્પદ જમીનનો કબ્જો હિન્દુઓને સોંપવામાં આવે તો તેમાં કશું ખોટું નથી. આ પરિસ્થિતિનો લાભ લઈ કેન્દ્ર સરકાર ધારે તો હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સંસ્થાઓ વચ્ચે સમાધાન સાધી શકે છે. કેન્દ્રિય નેતાઓના સલાહ સૂચનથી સંપૂર્ણ વિવાદ મીટાવી શકાય તેમ છે. પરંતુ સંજોગો એવા છે કે જો કેન્દ્ર સરકાર હિન્દુ તરફી ઝોક અપનાવી કોઈ સમાધાન કરાવે તો મુસ્લિમ વોટ બેન્ક ગુમાવી દઈશું તેવો ભય કોંગ્રેસી નેતાઓને લાગે છે. મુસ્લિમની તરફેણમાં  હોય  તેવો કોઈ નિર્ણય સરકાર લઈ શકે એમ નથી. કારણ કે કોર્ટના ચુકાદાનાં વજનથી હિન્દુઓનું પલડું ભારી થયું છે.
છેલ્લાં ચાર સપ્તાહથી રામજન્મભૂમિ વિવાદના ઉકેલ બાબત અખબારોમાં અને ટીવી ચેનલો
પર ઘણો ઉહાપોહ  થઈ રહ્યો છે.  દરેક કોમે આત્યમસંયમ વર્તીને વાતને વઘુ વણસતી અટકાવવી જોઇએ. આવી અપીલ કરવાને બદલે કેટલાંક અખબારો બધો વાંક હિન્દુઓનો જ છે તેવો ઢોલ વગાડે રાખે છે. પરંતુ એક વાત સમજવા   જેવી છે. ૬૦ વર્ષ બાદ આવેલા હાઈકોર્ટના ચુકાદાથી હિન્દીઓ ખુશ થાય તો એમાં કશું ખોટું નથી. હા, આ મુદ્દે હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવું કશું કોઈએ કરવું ન જોઈએ. આ ધૂંધવાટ અને રોષનાં કારણો સમજીને તેને દૂર નહીં કરાય ત્યાં સુધી આપણું રાજકારણ થાળે પડી શકશે નહીં. પરંતુ આપણું બંધારણ, આપણા રાજકારણની આજ સુધીની તરાહ અને આપણા વામણા, બે ટકાના નેતાઓ, અદાલતો અને અંગ્રેજી અખબારોનું માનસ જોતા આવો કોઇ પ્રયત્ન પણ થાય તેવી શક્યતા અત્યંત ઝાંખી છે.
મુંબઇના એક અંગ્રેજી છાપાએ થોડા સમય પૂર્વે એક તંત્રીલેખ લખ્યો હતો જેનું શીર્ષક હતું- ‘મંદિર અને રાષ્ટ્ર!’ તેમાં એક જગાએ એવું લખ્યું હતું કે જાહેર સમારંભોના ઉદ્ઘાટન વખતે પૂજા કરવામાં આવે છે. દીવો પ્રગટાવવામાં આવે છે. રાજધાની એક્સપ્રેસમાં રોજ સવારે ભજનો સંભળાવવામાં આવે છે. ટીવીમાં પણ કેટલીક જાહેરખબરોમાં કહેવામાં આવે છે કે દીકરી લક્ષ્મી છે અને પૌત્રી સરસ્વતી છે. દૂરદર્શન અને બીજી ચેનલો રોજ સવારે આપણાં માથા પર રામાયણ અને બીજી ધાર્મિક સિરિયલો ઝીંકે છે જેમાં ચમત્કારો જ ચમત્કારો છે.
આ લખનાર તંત્રી મહોદયને પૂછવાનું કે આ બધામાં ખોટું શું છે? પણ નિરર્થક… આ લોકો હિન્દુ તરફી કોઇ દલીલ સાંભળવા તૈયાર નથી. અંગ્રેજી અખબારોમાં વર્ણસંકરીયા પત્રકારોની એક નવી પેઢી આવી ગઇ છે. એ કોન્વેન્ટોમાં ભણી છે જ્યાં રામ અને સીતા, શંકર અને પાર્વતી કોણ છે એ સમજ્યા પૂર્વે તેમના મગજમાં જિસસ (ઇશુ) અને મધર મેરીની વાત ધરોબી દેવામાં આવે છે.
આમ છતાં મોટાભાગના હિન્દુ ઘરોમાં માબાપ પોતાના સંતાનોમાં હિન્દુ ધર્મ, સંસ્કારોનું સિંચન કરતા જ હોય છે. તેથી તેઓ જાણે છે કે પુત્રી લક્ષ્મી કહેવાય. સવારે ભજન જ ગવાય, પોપ મ્યુઝીક ન સંભળાય. રામાયણ અને મહાભારત કે એવી સિરિયલો મહાકાવ્યોનું ટીવી સ્વરૂપ છે. એનું પ્રસારણ થાય એમાં કશું ખોટું નથી. પણ આ આડવાત છે. અંગ્રેજી પત્રકારોની વર્ણસંકર પેઢીમાં હિન્દુવિરોધી તત્ત્વ આવીગયું છે. ધર્મ અને રાજકારણ જુદાં જ હોવા જોઇએ. તેવી વાત તેઓ ખૂબ મક્કમતાથી કરે છે. હમણાં એક અંગ્રેજી અખબારના સિનિયર પત્રકારે (જે જન્મે હિન્દુ છે) એવી ટીકા કરી હતી કે ભારતનું રાજકારણ બાબાઓ અને સાધુ સંતોના હાથમાં જશે તો મહાઅનર્થ થઇ જશે. વાત સાચી છે. ધર્મગુરુઓ રાજકારણમાં ઝાઝો હસ્તક્ષેપ કરે એ સારું નથી. પરંતુ તમે ધર્મ અને રાજકારણને સાવ અલિપ્ત પણ ન રાખી શકો.
અમેરિકાનો પ્રમુખ ‘ઇન ધ નેમ ઓફ ગોડ એન્ડ હોલી સ્પિરીટ’ બોલીને બાઇબલ પર હાથ મૂકીને શપથ લે છે. બ્રિટનનો રાજા કે રાણી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના સભ્ય હોવાં જ જોઇએ અને એ પ્રોટેસ્ટંટ જ હોવા જોઇએ એવો શિરસ્તો છે.  ગમે તે ખ્રિસ્તી, ઇશુનો ખરો ભક્ત હોય પણ એ રોમન કેથોલિક સંપ્રદાયનો હોય તો તે ઇંગ્લેન્ડનો રાજા ન બની શકે. પાકિસ્તાનમાં કોઇ હિન્દુ સાંસદ કે મિનિસ્ટર બની શકે? ઝિયા-ઉલ-હક તો હંમેશા ભારપૂર્વક કહેતા હતા કે ઇસ્લામ એક જ કારણ છે પાકિસ્તાનના અસ્તિત્ત્વનું. તો પછી હિન્દુસ્તાનમાં બહુમતી હિન્દુઓ થોડી ઘણી પણ ધર્મપ્રિયતા ધરાવે તેને વખોડી કેમ કાઢવામાં આવે છે. એટલું તો તમામ બિનસાંપ્રદાયિકોએ પણ સ્વીકારવું પડશે કે ભારતનું બંધારણ પણ એવો આગ્રહ રાખતું નથી કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા સેનાઘ્યક્ષ હિન્દુ જ હોવા જોઇએ. પાકિસ્તાનમાં કદી આવું સંભવી શકે?
દેશનો દાટ વાળનારા કોંગ્રેસીઓએ સમવાયતંત્રની લોકશાહીની, સંસદની અને બિનસાંપ્રદાયિકતાની ઠેકડી ઉડાવી છે. આજે રમખાણોમાં ઘવાયેલા, કુદરતી આફતને લીધે ઘરબાર વિનાના થયેલાં પિડિતોની સહાય કરવાના મિષે જાતજાતના નિવેદનો બહાર પાડનારા સોનિયા ગાંધી એ નહીં જાણતા હોય કે તેમના સાસુમા (ઇન્દિરા ગાંધી)એ જ સેક્યુલારિઝમ શબ્દ બંધારણમાં ધુસાડ્યો છે. ૧૯૫૦થી ૧૯૭૬ સુધી સેક્યુલર (બિનસાંપ્રદાયિક) જેવો શબ્દ જ ન હતો. ૧૯૭૬માં ઇન્દિરા ગાંધીએ બંધારણના આમુખમાં (પ્રિએમ્બલમાં) સેક્યુલર શબ્દને આમેજ કર્યો. ૧૯૭૫થી ૧૯૭૭ના કટોકટીકાળમાં ઇન્દિરા ગાંધીએ બંધારણ સાથે ખૂબ ચેડાં કાઢ્યા. તેમણે અનેક સુધારા કર્યા. પરંતુ પ્રજાના કલ્યાણ માટે નહીં, પોતાની રાજગાદી ટકી રહે એટલા માટે. આ સેક્યુલર શબ્દનું ગુજરાતી ભલે આપણે બિનસાંપ્રદાયિક કરીએ. વાસ્તવમાં સેક્યુલરીઝમનો વ્યવહારુ અભિગમ અપનાવવો શક્ય નથી. સત્તાધીશો હંમેશા આ શબ્દનો મતલબ ભૂલી જઇ આપ મતલબી બની જતા હોય છે.
હિન્દુઓ ઉદારમતવાદી હોય, શાંતિપ્રિય પ્રજા હોય, ખાનદાની ધરાવતા હોય તેથી તેમને નિર્બળ સમજી લેવાની ભૂલ કદી કોઇએ કરવી નહીં. આજે તો આપણા નેતાઓને, અંગ્રેજી કહેવાતા સિક્યુલારીસ્ટ પત્રકારોને લધુમતીઓની ચિંતા છે. સેક્યુલરીઝમની ચિંતા છે. લોકશાહીની ચિંતા છે. ફક્ત ૮૦ ટકા હિન્દુઓની ચિંતા નથી. હિન્દુઓ ધર્મપ્રિય છે પરંતુ ધર્મઝનૂની નથી.  બે દાયકા પૂર્વે હિન્દુ કારસેવકોએ જે અદમ્ય ઝનૂન અને કાતિલ ચોકસાઇથી બાબરી મસ્જિદને ભોંયભેગી કરી દીધી એ જ એકતા, નિશ્ચલતા, શૌર્ય ભારતવાસીઓ શાહબુદ્દીન ધોરી, બાબર, અહમદશાહ અબ્દાલી કે રોબર્ટ ક્લાઇવ સામે બતાવી શક્યા હોત તો હિન્દુસ્તાન કદી ગુલામ બન્યો ન હોત. એ સંપૂર્ણપણે હિન્દુઓનું જ અખંડ ભારત બની રહ્યું હોત. પણ ઇતિહાસમાં જો અને તો હોતા નથી. જે થવાનું હતું તે થઇ ગયું. ભારત આઝાદ થયું પછી આ દેશના નાગરિકો ધીરે ધીરે એકબીજી કોમોના સહઅસ્તિત્ત્વને સ્વીકારી શાંતિથી રહી શક્યા હોત. પરંતુ આ દેશને ધર્મનિરપેક્ષ બનાવીને જવાહરલાલ નેહરુએ ઘોર ખોદી કાઢી. નેહરુ પછીના તમામ કોંગ્રેસી નેતાઓએ અંગ્રેજોની માફક જ હિન્દુ અને મુસ્લિમ વોટબેન્કો પર પોતાનું રાજ આગળ ધપાવે રાખ્યું.  નેતાઓ બેઉ કોમોને બેવકૂફ બનાવતા રહ્યા. લડાવતા ઝઘડાવતા રહ્યા. હિન્દુઓના મંદિરોમાં અને મુસ્લિમોની મસ્જિદો તથા દરગાહોની વારંવાર મુલાકાત લેતા કોંગ્રેસી નેતાઓ અવારનવાર એવી વાતો કરતાં રહ્યાં છે કે ધર્મ અને રાજકારણ જુદાં રાખવા જોઇએ.
વાહ કેટલી આદર્શ સ્થિતિ કહેવાય. સરકાર અને કાયદા સમક્ષ બધી જ કોમો, બધા ધર્મ એક સમાન હોય. ઘરની ચાર દિવાલો વચ્ચે બધા પોતપોતાનો ધર્મ પાળે પરંતુ બહાર નીકળે એટલે સાચો ભારતીય બની જાય. દરેક કોમો વચ્ચે એકતા અને ભાઇચારો હોય. ટૂંકમાં,
સર્વે અત્ર સુખીનઃ સન્તુ
સર્વે સન્તુ નિરમાયા
દરેક સુખી થાવ, બધાનું કલ્યાણ થાવ. આ સ્થિતિ આદર્શ કહેવાય. પરંતુ આઝાદી કાળથી આપણા નેતાઓએ અવળી ચાલ ચાલીને દેશને બરબાદ કર્યો છે. એક તરફ કોંગ્રેસીઓ અને બીજી તરફ સામ્યવાદીઓએ ધર્મને, ધાર્મિક નેતાઓને ગાળો ભાંડી સૌથી વધુ મલિન રાજકારણ ખેલ્યું છે. સાવ જ નાસ્તિક સામ્યવાદીઓ તો બુઘ્ધિના બળદિયા જેવાં છે. તેઓએ આખી જિંદગી આરએસએસ તથા ભાજપને ગાળો ભાંડવામાં ખર્ચી નાંખી છે પણ શ્રમિકોનું કંઇ ભલું કરી શક્યા નથી. ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિઓ સાવ મરી પરવારી છે. નેહરુના પગલે પગલે કોંગ્રેસીઓએ ચાલુ રાખેલું સેક્યુલરીઝમ પણ સાવ બોદું સાબિત થયું છે. ખુદ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ‘શયતાન સિવાય કોઇ ધર્મનિરપેક્ષ હોઇ જ ન શકે.’ રાષ્ટ્રપિતા સાવ સાચા હતા. જ્યાં ચોમેર સમાજ સંપ્રદાયોથી  છલકાતો હોય ત્યારે બિનસાંપ્રદાયિકતાની વાતો કરવી એ તો નિર્વસ્ત્રોના ગામમાં રેડીમેડ વસ્ત્રોની દુકાન ઉઘાડવા જેવું કહેવાય. આવું સદ્ગત શ્રી હસમુખભાઇ ગાંધી વારંવાર કહેતા.
હકીકત એ છે કે હિન્દુસ્તાનમાં રાજકારણ ધર્મનો જ એક ભાગ છે. માત્ર ભારતમાં જ નહીં, આખા જગતના સાંપ્રત ઇતિહાસમાં ઘણાં સમાજોમાં ધર્મ દ્વારા જ જાગૃતિ બોધ આવ્યો છે. ભારતીય રાજકારણમાં હિન્દુ પરિબળોને વર્ણસંકરીયા પત્રકારો સમજ્યા નથી, ભારતીય સામાન્ય પ્રજા બરાબર સમજી રહી છે.
આઝાદી કાળના હિન્દુ નેતાઓ ઉચ્ચ કુલીન હતા. સંવિધાન લખનારા, બંધારણ તૈયાર કરનારા બેરિસ્ટર નેતાજીઓ અંગ્રેજીથી એવા અંજાઇ ગયા હતા કે એમણે સંવિધાનમાં હિન્દુ શબ્દ કે હિન્દુ અસરનો એક પણ તણખો રહેવા દીધો નથી. જવાહરલાલ નેહરુએ મુસ્લિમોની વાહવાહ મેળવવા એક સમયે વસતિગણતરીમાં માતૃભાષા તરીકે ‘ઉર્દૂ’ લખાવી હતી! આ જાણ્યા પછી સરદાર વલ્લભભાઇ પટેલે વિધાન કર્યું હતું કે ભારતમાં એક જ ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ છે’ અને તેનું નામ છેઃ જવાહરલાલ નેહરુ.
સમયનો તકાજો એ છે કે સમગ્ર હિન્દુ પ્રજાએ એક થવું પડશે. હિન્દુ ધર્મનેતાઓએ સમાજ સુધારણાનું બીડું ઊઠાવવું પડશે. કારણ કે બિનસાંપ્રદાયિકતાનો બુરખો પહેરીને બેઠેલા આપણા રાજકારણીઓ તો આંધળા બની ગયા છે. તેઓ હિન્દુ કે મુસલમાન કોઇનું ભલું કરી શકવાના નથી. નેતાઓને બદલે ધર્મગુરુઓએ હવે રાજગુરુ બનીને જાહેર જીવનમાં પ્રજાને માર્ગદર્શન આપવું પડશે.
ધર્મસંસ્થાપનાર્થાય… વિનાશાયશ્ચ દુષ્કૃતામ્…! વિનાશકારી શક્તિઓને નષ્ટ કરવા અને ધર્મની સ્થાપના કરવા ધર્મગુરુઓએ રાજ્યગુરુની ભૂમિકા ભજવવા તૈયાર થવું પડશે.
હું એમ કહેવા નથી માગતો કે લોકશાહી સમાજવાદી ભારત દેશના શાસનની ધુરા ભગવાધારી બાવા-બાવીના હાથમાં સોંપી દો. પરંતુ નિસ્વાર્થભાવે, વિશાળ જનસમુદાયનું હિત ઘ્યાનમાં રાખી રાજ્યપાલન કરાવડાવે તેવા ધર્મગુરુઓની અછત તો નથી.
જગતભરમાં ધર્મગુરુ રાજ્યગુરુની ભૂમિકા અદા કરી રહ્યા છે. વિયેટનામમાં બૌદ્ધ સાધુઓએ સ્વયં જીવતા બળી મરીને, આત્મવિલોપન કરીને પ્રજાને અમેરિકાની સામે જાગૃત કરી હતી. શ્રીલંકામાં વડાપ્રધાન સોલોમન વેસ્ટ રીજ ડાયઝ ભંડારનાયકેની હત્યા એક બૌદ્ધ સાધુની   રિવોલ્વરની ગોળી દ્વારા થઇ હતી. પરિણામે સિરિમાવો ભંડારનાયકે શ્રીલંકાના રાજકારણમાં પ્રવેશ્યા હતા. ગ્રીસમાં સૈનિક સત્તાની સાથે ચર્ચે પ્રથમ બગાવતનો ઝંડો ફરકાવ્યો હતો. પોલેન્ડમાં પણ સામ્યવાદી શાસનની સામે કેથલિક ચર્ચ શ્રમનેતા લેચ વાલેસાની પડખે ઊભું રહ્યું હતું અને જનવિરોધ એક આંદોલનમાં પરિણમ્યો હતો.
ભારતમાં લોકમાન્ય ટિળકે ગણપતિ ઉત્સવને સાર્વજનિક રૂપ આપીને રાજકારણમાં ક્રાંતિ આણી હતી. ગાંધીજીએ ધર્મના બધા જ અમોઘ શસ્ત્રો (અનસન, ઉપવાસ, અસહકાર)નો રાજકારણમાં અદ્ભુત ઉપયોગ કર્યો હતો. તેઓ જ ધર્મ અને રાજકારણને સૌથી પાસે લાવ્યા. કાશ્મીરમાં જનમતને ઉશ્કેરવામાં શેખ અબ્દુલ્લાનું નામ લેવાય છે. તેઓ દર શુક્રવારે શ્રીનગરની જામા મસ્જિદમાં નમાજ પછીની તકરીર પેશ કરતાં. આંધ્રના એન.ટી. રામારાવે હિન્દુ ધર્મના પ્રતીકો, સંજ્ઞાઓ, તિરુપતિના વેંકટેશ્વર, ગીતાનો પ્રચુર ઉપયોગ કરીને રાજ્યમાં કોંગ્રેસને શેષ કરી નાખી હતી. દિલ્હીના અબ્દુલ્લા બુખારીએ જામા મસ્જિદના શાહી ઇમામ બનીને ધર્મનો શો ઉપયોગ કર્યો હતો એ વાત બધા જાણે છે.
શીખ પ્રજાને માટે ધર્મકારણ એ જ રાજકારણ છે. ત્યાં રાજનેતા ધર્મનેતાના અંગૂઠા નીચે જ જીવી શકે છે. પંજાબનું પોલિટિક્સ અકાલ તખ્તના સંચાલકોના હાથમાં છે. આ જ શીખોના માસ્તર તારાસિંહ હિન્દુ હતા અને સંત ફતેહસિંહ મુસ્લિમ હતા. બંને જણ જિંદગીના પાછલા વરસોમાં શીખ ધર્મનેતા બની ગયા. સંત હરચંદસિંહ લોંગોવાલ અને જરનૈલસિંહ ભિંડરાનવાલે પૂર્વે ધર્મનેતા હતા જે પાછળથી રાજકીય ચળવળમાં પડ્યા.
જુલમી ઔરંગઝેબના સિતમ બહુ વધી પડ્યા ત્યારે તેની સામે બંડ પોકારનારા સતનામીઓ, શીખો અને શિવાજીના સૈનિકોએ ધર્મનું યુઘ્ધ લડવાની વાત કરી ભગવા ઝંડા ઊપાડ્યા હતા. અરે છેક ૧૮૫૭ની ક્રાંતિ પણ હિન્દુ સાધુબાવાઓએ ફેલાવી હતી. ધર્મ કઇ સીમાએ રાજકારણને સ્પર્શે છે અથવા ધાર્મિક ગુરુઓ રાજકારણમાં કઇ હદે હસ્તક્ષેપ કરી શકે છે, અથવા કરવું જોઇએ એની પ્રેરણા બંકિમચંદ્ર ચેટરજીની ‘આનંદમઠ’ નવલકથામાંથી મળે છે. જેમાં ‘વંદેમાતરમ્’ ગીત પહેલીવાર પ્રકટ થયું હતું.
વર્ણસંકર પત્રકારોએ આ વાત સમજવા જેવી છે. ધર્મ અને રાજકારણ એકબીજાથી કેટલા અલિપ્ત રહી શકે અને કેવી રીતે એ શક્ય બને એ બાબતનું તેમણે મનોમંથન કરવાની જરૂર છે. ધર્મ નિરપેક્ષતાની વાતો બંધ કરી સાચા, સહૃદયી હિન્દુ મુસ્લિમ, ખ્રિસ્તી સૌને એક કરવા નવેસરથી એકાત્મતાનો યજ્ઞ- હવન કરવા પડશે. આવશ્યકતા જણાય તો બંધારણને બદલવા પણ તૈયાર રહેવું પડશે
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: