ત્રાસવાદીઓના પાપે ભારતીય ઉપખંડમાં અણુયુદ્ધ ફાટી નીકળવાની દહેશત


ત્રાસવાદીઓના પાપે ભારતીય ઉપખંડમાં અણુયુદ્ધ ફાટી નીકળવાની દહેશત

હોટલાઇન – ભાલચંદ્ર જાની

કરાચીના મેહરાન નૌકાદળ મથક પર તાલિબાનના ગેરિલાઓએ ગયા અઠવાડિયે એકાએક હુમલો કર્યો અને સોેળ-સોળ કલાક સુધી પાકિસ્તાની સૈન્ય સામે ઝીંક ઝીલી એ ઘટના પછી આખું વિશ્વ ચોંકી ઊઠ્યું છે. અબોટાબાદમાં અમેરિકી કમાન્ડોએ બિન લાદેનના ઘર પર હુમલો કરી તેને મારી નાંખ્યો, પછી સમગ્ર પાકિસ્તાનમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં પણ જો ત્રાસવાદીઓ મહત્ત્વના મિલિટરી થાણા પર કબ્જો જમાવવામાં સફળ થયા તો કાલે તેઓ પાકિસ્તાનના અણુશસ્ત્રો છીનવી લેવામાં કે એકાદ અણુમથક પર કબ્જો જમાવવામાં પણ સફળ થાય.
 ત્રાસવાદીઓનું આવું કોઈ દુઃસાહસ સફળ નીવડે તોે ભારત, અમેરિકા અને બ્રિટન જેવા દેશનું આવી બને. આમ પણ ભારત પર અણુ હુમલો કરવાની શેખી પાક. મિલિટરી હાકેમો એકથી વઘુ વાર કરી ચૂક્યા છે.
 પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ આશફાક પરવેઝ કાયાનીએ ગયા સપ્તાહે જ એવી ધમકી ઊચ્ચારી હતી કે જો ભારત સાથે યુદ્ધ થાય તો અણુશસ્ત્રોનો પહેલો પ્રહાર કરતા અમે અચકાશું નહીં. આમ ભારતીય ઉપખંડમાં બિન લાદેન મરાયો પછીની સ્થિતિ વઘુ સ્ફોટક બની છે. ગમે તે ઘડીએ કંઈ અમંગળ ઘટના બનવાની દહેશત ભારત સરકારને પણ મૂંઝવી રહી છે.
 ગયા સોમવારે જ સરકારે એક આદેશ બહાર પાડીને ભારત પાક. સીમા પરના અર્ધલશ્કરી દળોને લશ્કરના ઓપરેશનલ કમાન્ડ હેઠળ મૂક્યા છે. જાણકારો એમ કહે છે કે યુદ્ધ જ્યારે અનિવાર્ય લાગે ત્યારે જ સરકાર આવું પગલું ભરે છે.
 સરકારી અમલદારોએ જોકે એવી સ્પષ્ટતા કરી છે કે અર્ધલશ્કરી દળોને સૈન્યની દેખરેખ હેઠળ તથા તટરક્ષક દળને નૌકાદળના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યું છે.
 અરે, મર્ચન્ટ નેવીને સુઘ્ધાં નેવલ કમાન્ડના સીધા અંકુશ હેઠળ મૂકવામાં આવી છે. આ જાહેરાત યુદ્ધ માટેની તૈયારી કરતી વખતે અનુસરાતી ધોરણસરની ઓપરેશન કાર્યવિધિ છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારત પરંપરાગતપણે આવી કાર્યવાહીને અનુસરતું આવ્યું છે
 ડર એ વાતનો છે કે તાલિબાન, અલ-કાયદા કે લશ્કર-એ-તોયબાની કોઈ ટુકડી પાકિસ્તાનના એકાદ અણુમથકની અંદર ધુસી તેની પર કબ્જો જમાવી લે તો મહામુસીબત ઊભી થાય. આવા મથકની અંદરથી પ્લુટોનિયમ કે બીજો રેડિયો એક્ટિવ પદાર્થ મેળવી તેઓ મોટી તારાજી સર્જી શકે છે. ઊચિત સ્ફોટક પદાર્થોની સાથે રેડિયોએક્ટિવ મટિરિયલનું સંયોજન કરીને આવા ‘ડર્ટી બોમ્બ’ બનાવવા સહેલા છે. આવા બોમ્બ તેઓ પાકિસ્તાનની બહાર લઈ જઈ વિશ્વના કોઈપણ શહેરમાં તબાહી મચાવી શકે છે.
 આપણે એક વાતની ધરપત રાખી શકીએ કે પાકિસ્તાનના અણુમથકો તેમ જ બીજી અણુશક્તિ સંબંધિત રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના ઠામ-ઠેકાણા ત્રાસવાદીઓ પાસે છે. પરંતુ પાકિસ્તાનના અણુશસ્ત્રો ચોક્કસ કયા ગોદામોમાં કે કયા મિસાઈલ સિલોમાં સંઘર્યા છે તેની વિગતો તેમની પાસે નહીં હોય. પરંતુ એક અમેરિકી સંરક્ષણ નિષ્ણાતે જણાવ્યું તેમ ઓસામા બિન લાદેનની હત્યા પછી એક શક્યતા વધી ગઈ છે કે પાક. સૈન્યમાં તેમ જ અણુમથકોમાં કામ કરતાં કર્મચારીઓમાં પણ કટ્ટરપંથી તરફી ઝોક વઘ્યો હોય. આમાંનો જ કોઈ માથા ફરેલો શખ્સ પાક. અણુશસ્ત્રો અથવા પ્લુટોનિયમના જથ્થા વિશેની બાતમી ત્રાસવાદીઓને આપી દે તો મુસીબત ઊભી થાય.
 આપણા જાસૂસો પાસે એટલી માહિતી છે કે પાકિસ્તાને તેના અણુશસ્ત્રો પંજાબ પ્રાંતમાં કોઈ ગુપ્ત સ્થળે રાખ્યા છે. એટલું જ નહીં. પાક. સૈન્યની એક ખાસ રેજિમેન્ટ આ શસ્ત્રોેનું ઠેકાણું નિયમિત સમયના અંતરે બદલી નાંખે છે. એટલે કે મિસાઈલ સ્વરૂપના આ અણુશસ્ત્રો મોબાઈલ લોંચર દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવે છે. પરંતુ આવી જ કોઈ હિલચાલની જાણ જો ત્રાસવાદીઓને થાય અને તેઓ મક્કમ ઈરાદા સાથે આ શસ્ત્રોના જાથાને આંતરે તો હાહાકાર મચી જાય.
 એક વાત મહત્ત્વની છે અને તે એ કે બીજા પરંપરાગત બોમ્બની માફક અણુબોમ્બ કે અણુમિસાઈલનો ઉપયોગ આસાનીથી કરી શકતો નથી. આ માટેની યોગ્ય ‘વેપન ડિલીવરી’ સિસ્ટમ અને તેની કાર્ય પઘ્ધતિની જાણકારી હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો અણુબોમ્બ ફેંકવા માટે એફ-૧૬ કે મિરાજ વિમાનો વાપરતા પણ ત્રાસવાદીઓને આવડવા જોઈએ. અથવા મિસાઈલ લોંચરનો ઊચિત ઉપયોગ કરતાં ફાવવું જોઈએ. એટલે ત્રાસવાદીઓએ અણુશસ્ત્રોના વપરાશ માટે પાક. સૈન્યના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના અમુક અફસરોને ફોડવા પડે. કારણ કે પાકિસ્તાનના અણુશસ્ત્રોનો કમાન્ડ-કન્ટ્રોલ આ ટુકડી પાસે છે.
 એક શક્યતા એવી પણ છે કે પાકિસ્તાન સૈન્યમાં જ બળવો ફાટી નીકળે અને તેમાંના કેટલાંક અફસરો ત્રાસવાદીઓ સાથે મળીને ભારત પર અણુહુમલો કરે. પાકિસ્તાની સૈન્યના કેટલાંક ટોચના અમલદારો આમપણ વર્ષોથી ભારત સામે મળેલા પરાજયનો બદલો લેવા આતુર છે.
 અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના ટોચના સલાહકાર બુ્રસ રિડલેએ થોડાં સમય પહેલાં એવો ઘટઃસ્ફોટ કર્યો હતો કે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન ત્યારના વડા પ્રધાન નવાઝ શરીફની જાણ બહાર પાક. મિલિટરી જનરલો ભારત પર અણુશસ્ત્રો વડે ત્રાટકવા તૈયાર થઈ ગયા હતા. એ વાત તો જાણીતી છે કે અણુબોમ્બ સાથેનો કે સાદા બોમ્બથી સજ્જ કોઈ પણ મિસાઈલ પાકિસ્તાન છોડે તો ભારતમાંના લક્ષ્યાંક પર તેને ત્રાટકતાં ફક્ત ત્રણથી ચાર મિનિટ લાગે. આવો જ એકાદ અણુબોમ્બ મિસાઈલ વડે પાકિસ્તાન મુંબઈ શહેર પર ઝીંકે તો શહેરના ચારથી આઠ લાખ નાગરિકો સ્વાહા થઈ જાય.

તાજેતરમાં ‘‘બુલેટિન ઓફ ધ એટમિક સાયન્ટિસ્ટ’’ સામયિકના તાજા અંકમાં બે અમેરિકી નિષ્ણાતોએ એવું જણાવ્યું છે કે ઈસ્લામાબાદ પાસે ૭૦ થી ૯૦ એટમિક વોરહેડસ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત, પાકિસ્તાન બે નવા પ્લુટોનિયમ ઉત્પાદન રીએકટર્સ અને કેમિકલ સેપરેશન પ્લાન્ટનું નિર્માણ કરી રહ્યું છે. પાકિસ્તાની મિસાઈલો તત્કાળ ઉપયોગમાં લઈ શકાય તેવા અને વિશાળ પ્રહાર ક્ષમતા ધરાવતા હોવાની શક્યતા આ નિષ્ણાતોએ દર્શાવી છે, જે વઘુ ભારતીય શહેરોને આક્રમણની રેન્જમાં લઈ શકે છે. પાકિસ્તાનની નવી અણુ સજ્જતા ભારત માટે જોખમરૂપ છે.
 અણુશસ્ત્રોની સંખ્યા ૫૦થી બમણી ૧૦૦ કરવા માટે પાકિસ્તાનને માત્ર ૧૦ વર્ષ થયા છે, જે અતિ ઝડપી કહેવાય. પાકિસ્તાન તેના આણ્વિક મિશન માટે અમેરિકા દ્વારા અપાયેલા એફ-૧૬ લડાયક યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરે તેવી શક્યતા વઘુ છે. જોકે, તેની પાસે ફ્રેન્ચ મિરાજ વી વિમાનો પણ છે. સરગોધાવેપન્સ સ્ટોરેજ કોમ્પ્લેક્સમાં એસેમ્બલ્ડ અણુ બોમ્બ અથવા બોમ્બના ઘટકોના સંગ્રહની વ્યવસ્થા છે. અમેરિકાના ઉચ્ચ અણુ વિજ્ઞાનીઓએ આઘાતજનક ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે પાકિસ્તાન તેના અણુશસ્ત્રોના ભંડાર અને ઉત્પાદન ક્ષમતાની સવલતોનું વિસ્તરણ કરી રહેલ છે. પાકિસ્તાન નવું અણુક્ષમ બેલિસ્ટિક મિસાઈલ અને બે અણુક્ષમ ક્રુઝ મિસાઈલ તૈયાર કરી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
 પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનની દિશામાં પાકિસ્તાન ઝડપભેર આગળ વધી રહ્યું છે. થોડા સમયમાં શરૂ થનારા તેના ચોથા રીએક્ટરથી પ્લુટોનિયમના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. પાટનગર ઇસ્લામાબાદથી ૧૪૦ કિ.મી. દૂર તૈયાર થઇ રહેલા પાકિસ્તાનના ચોથા રીએક્ટરની પ્રગતિ અંગેની વિગતો એક વ્યાવસાયિક ઉપગ્રહની તસવીરો થકી જાહેર થઇ છે. ‘ન્યૂઝવીક’માં પ્રકાશિત આ વિગતો સાથે જણાવાયું છે કે તેનું ચોથું રીએક્ટર ૨૦૧૩ સુધીમાં કાર્યરત થઇ જશે. પાકિસ્તાન પાસે ૧૦૦ પરમાણુબોમ્બ બનાવી શકાય એટલી સામગ્રી તૈયાર છે અને દર વર્ષે બીજા ૮ થી ૨૦ જેટલા બોમ્બ બનાવી શકાય એટલી સામગ્રીનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. એ ઘ્યાનમાં રાખતાં, પાકિસ્તાનનો પરમાણુશસ્ત્ર કાર્યક્રમ વિશ્વભરમાં સૌથી ઝડપી ગણી શકાય.
 પરમાણુશસ્ત્રો અંગે નામચીન ઇરાન અને ઉત્તર કોરિયામાંથી ઇરાન પાસે સમૃદ્ધ યુરેનિયમ પેદા કરવાની ક્ષમતા નથી, જ્યારે ઉત્તર કોરિયા પાસે પરમાણુ હુમલા માટેની શસ્ત્રસજ્જતા નથી. તેમની સરખામણીમાં પાકિસ્તાન સૌથી સજ્જ છે.
 પાકિસ્તાનની પરમાણુતાકાત જોકે માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો નથી. આખા વિશ્વની સુરક્ષા તેના કારણે જોખમમાં મુકાય છે. પાકિસ્તાની ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે આ મામલે અમેરિકાના કોઇ પણ હસ્તક્ષેપની શક્યતા નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે (પરમાણુમથક જેવાં) વ્યૂહાત્મક સ્થળોએ પાકિસ્તાને ૧૮ હજારનું સૈન્ય તહેનાત રાખ્યું છે. એટલે તેની પર હુમલાની કોઇ પણ ચેષ્ટા ગંભીર પરિણામ નોતરી લાવશે. માની લો કે ત્રાસવાદીઓએ પાકિસ્તાનના અણુમથક પર કે અણુશસ્ત્રોના જથ્થા પર કબ્જો જમાવવા કોશિશ કરી તો બહુ જલ્દી એ ઉગ્ર લડાઈમાં ફેરવાઈ શકે. અને આવા લોહિયાળ જંગના છાંટા ભારત પર ઊડ્યા વગર ન રહે. કદાચ પાક.સૈન્ય ઉશ્કેરાટમાં ભારતીય સરહદે કોઈ છમકલા કરવા પ્રેરાય.
 પાક.આર્મી જનરલ કયાનીને આવું આકરું પગલું ભરતાં રોકે એવા સંજોગો ભારતે ઊભા કરવા હોય તો એ બતાવી આપવું જોઈએ કે તેમના પ્રથમ અણુહુમલા પછી પણ ભારત જોરદાર વળતો અણુહુમલો કરવા સક્ષમ છે. આ સંદર્ભમાં ભારતની બાજુ નબળી છે એવી ભ્રમણા પાકિસ્તાની લશ્કરી હાકેમો ધરાવે છે. તેમની ગણતરી એવી છે કે પાકિસ્તાનના પ્રથમ અણુહમલાને ઝીલી લીધા પછી કચકચાવીને પ્રત્યાઘાતી હુમલો કરવા માટે ભારત પાસે મોટી સંખ્યામાં અણુશસ્ત્રો હોવા જોઈએ. તેમજ પાકિસ્તાનના અણુહુમલા સામે પણ ટકી રહે તેવા મિસાઈલ શિલો (ક્ષેપકાસ્ત્ર સાચવવા માટેના ભૂગર્ભ ભંડાર) હોવા જોઈએ. અથવા સબમરીન દ્વારા અણુહુમલો લઈ જવાય તેવી ક્ષમતા હોવી જોઈએ. ભારત પાસે આ છેલ્લી બે ક્ષમતા નથી. માત્ર પ્રાથમિક ક્ષમતા છે કે પાકિસ્તાન પાસે ૫૦થી ૭૫ અણુબોમ્બ હશે તો ભારત પાસે ૧૦૦થી ૧૫૦ અણુબોમ્બ છે.
 માની લો કે પાકિસ્તાન તેની પ્રથમ અણુમિસાઈલ દિલ્હી પર ઝીંકે (મોટા ભાગે એવું જ બને એવી શક્યતા છે) તો શું ભારત પાસે એવું ન્યુ ક્લિયર કમાન્ડ-કન્ટ્રોલ સેન્ટર મોજૂદ છે જેને તાત્કાલિક રાજધાની દિલ્હીથી દૂર ખસેડી શકાય? અત્યારે આવા કોઈ કમાન્ડ સેન્ટરની હયાતી વિશે ખબર નથી. પરંતુ એટલી જાણ છે કે પાકિસ્તાની મિસાઈલો ભારત પર હુમલો લઈ આવે એની ત્રણથી ચાર મિનિટની અંદર ભારતીય મિસાઈલો વળતો હુમલો લઈ જવા તૈયાર છે. આ હેતુસર જ ભારતે તાજેતરમાં અગ્નિ મિસાઈલની કેટલીક બેટરી પણ રાજસ્થાન-પંજાબ સરહદે રવાના કરી છે. એવી શક્યતા પણ પૂરેપૂરી છે કે પ્રવાહી બળતણ ધરાવતી ભારતીય પૃથ્વી અને અગ્નિ મિસાઈલ વળતા હુમલા માટે ઝડપથી તૈયાર ન થાય તો વિમાન મારફતે અણુહુમલો લઈ જઈ શકાય. આ માટે મિગ-૨૯ અને મિરાજ વિમાન પૂરતી ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન પણ આ વાત જાણે છે તેથી જ તેણે પ્રથમ હુમલામાં દિલ્હીની સાથે સાથે સરહદ નજીકના તમામ મિલિટરી હવાઈ થાણાંને લક્ષ બનાવી રાખ્યા છે.
 સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરતાં મામલો થોડો ગંભીર લાગે છે, પરંતુ મિલિટરી નિષ્ણાતો એવું ચોક્કસપણે માને છે કે ભારત પર પ્રથમ અણુહુમલો કરવાનું દુઃસાહસ ખેડીને પાકિસ્તાન તેની પોતાની કબર આપમેળે ખોદવામાં નિમિત્ત બની જશે.
 ૧૯૬૦ના ગાળામાં ગણિતના સમીકરણો માંડીને એ પૂરવાર થયું હતું કે માત્ર ત્રણ મેગાટન થર્મોન્યુક્લિયર શસ્ત્ર (અણુ બોમ્બ) વાપરીને ઇઝરાયલનો સમૂળગો નાશ થઈ શકે. પાકિસ્તાન એટલો નાનો દેશ નથી, પરંતુ તેની ઘણી ખરી વસતિ તેમજ ધનસંપત્તિ પેદા કરતો વિસ્તાર ઉત્તરથી દક્ષિણ જતાં ૩૦ માઈલ પહોળા પટ્ટામાં જ કેન્દ્રિત થયો છે. આ વિસ્તાર પણ ભારતીય સરહદે રાજસ્થાન તથા પંજાબની નજીક છે.
 ભારતની અણુમિસાઈલો માત્ર ચાર મિનિટમાં આ સમગ્ર પાકિસ્તાની સમૃદ્ધિનો દાટ વાળી દઈ શકે. આ વાત બરાબર સમજતા ફિલ્ડ માર્શલ અયુબ ખાને ૧૯૬૮માં તેમના આર્મી કમાન્ડરોને ચેતવણી આપી હતી કે જો જો, આપણી હાલત બહુ નાજુક છે. એક વાર ભારતીય સૈન્ય આપણા આ સમૃદ્ધ ભૂપ્રદેશનો પટ્ટો આડો ચાતરી જશે તો પાકિસ્તાન તત્કાળ વેરવિખેર થઈ જશે. આમ ભૌગોલિક દ્રષ્ટિએ પાકિસ્તાનની હાલત ખૂબ પાંગળી છે, જ્યારે ભારત દેશના ટુકડા કરી નાખવા જેટલી તાકાત પાકિસ્તાન પાસે નથી.
 અણુમિસાઈલના હુમલા ઉપરાંત ભારતીય વાયુસેનાના ફાઈટર-બોમ્બર વિમાનો કાશ્મીરમાંથી સુપર સોનિક સ્પીડે ઊડીને ઈસ્લામબાદ તથા અણુશસ્ત્રો ધરાવતા કાહુટા અને ગોલારના સંકુલો પર ધાવો બોલાવી શકે. ટૂંકમાં, ભારત ધારે તો બહુ જ ઓછા અણુબોમ્બ વાપરીને પાકિસ્તાનનો સર્વનાશ કરી શકે. નકશા પરથી પાકિસ્તાનનું નામનિશાન ભૂંસાઈ જાય! જ્યારે પાકિસ્તાન પહેલો અણુ હુમલો કરીને આખા હિન્દુસ્તાનની વાત તો આઘે રહી, અડધા ભારતને પણ જફા પહોંચાડી શકે એમ નથી. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પ્રથમ અણુહુમલો કરીને પાકિસ્તાન ભારતને ગંભીર ફટકો મારી શકે, પરંતુ વળતા હુમલામાં પાકિસ્તાન તો સાવ બરબાદ થઈ જાય. આ હકીકતથી પાકિસ્તાની જનરલો વાકેફ છે તેથી તેઓ કોઈ પણ આંધળુકીયા કરતાં પૂર્વે બે વાર વિચાર કરશે.
 – ભાલચંદ્ર જાની

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: