ગૌ હત્યા : કોણ કોને મુર્ખ બનાવે છે?


ગૌ હત્યા : કોણ કોને મુર્ખ બનાવે છે?

કાલ્‍પનિક વિવાદ : મોદી સરકારને બદનામ કરવાનું કાવત્રુ : વિકૃત ચિત્ર ઉપસાવવા હીનપ્રયાસ


 <br />ગૌ હત્યા : કોણ કોને મુર્ખ બનાવે છે?

      ૨૦૧૪માં નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ભાજપની સરકાર બની છે તે ક્ષણથી જ જાણે સમગ્ર દેશ કાબુ બહાર બની ગયો છે તેવુ જગતને લાગે તેવો આયોજનબદ્ધ પ્રચાર વ્‍યૂહ અપનાવાયો છે. મોદી પહેલાનું ભારત અને મોદી પછીનું ભારત એવી ભયાનક વિરોધાભાસી તસ્‍વીર લોક માનસમાં ઉભી કરવા ઝેરી પ્રચાર યુદ્ધ છેડવામાં આવ્‍યું છે. મોદી આવ્‍યા પહેલા ભારત અતી સુંદર હતુ અને મોદી આવ્‍યા બાદ ભારતનું ધનોત-પનોત નીકળી ગયુ છે તેવુ વિચિત્ર ચિત્ર ઉપસાવવા હિન પ્રયાસ થઈ રહ્યો છે. મોદીના અકલ્‍પનીય વિજયને ન પચાવી શકનારા તત્‍વો હવે મોદી સરકારના તમામ પગલાઓને લઘુમતીઓ પરના નવીન પ્રકારના ‘અત્‍યાચારો’ તરીકે ચીતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદી સરકારના દરેક પગલાને ખોટી રીતે કોમવાદ સાથે સાંકળી કોમી રંગ આપવાનો ધૃણાજનક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

      આખા દેશને ઉંધો – ચત્તો કરી દેનાર ગૌ હત્‍યા પરના પ્રતિબંધનો કાલ્‍પનીક વિવાદ એ મોદી સરકારને બદનામ કરવાના કાવત્રાનું શ્રેષ્‍ઠ ઉદાહરણ છે. ગૌહત્‍યા પરના પ્રતિબંધ સંબંધે ઉભા કરાયેલા બનાવટી વિવાદને સમજવા કેટલાક તથ્‍યોની જાણકારી હોવી આવશ્‍યક છે. રાષ્‍ટ્રના કુલ ૩૬ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો પૈકીના ૨૯ રાજયો અને કેન્‍દ્રશાષિત પ્રદેશોમાં ગૌ-હત્‍યા પર આજે પણ પ્રતિબંધ છે. માત્ર સાત રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં ગૌહત્‍યા પર પ્રતિબંધ લાદવાનું બાકી છે. ગૌહત્‍યા પરના પ્રતિબંધનો કાયદો જયારે સંબંધિત રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં અમલી બનાવવામાં આવ્‍યો ત્‍યારે તે પૈકીના મોટાભાગના રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં ભાજપની સરકાર હતી જ નહીં. આજે પણ જે રાજયોમાં ગૌહત્‍યાનો પ્રતિબંધ અમલી છે તેમાં પણ ભાજપના શાસન સિવાયના રાજયો વિશેષ છે. આથી એ સ્‍પષ્‍ટ બને છે કે ગૌહત્‍યા પરનો પ્રતિબંધ એ કોઈ નવી વાત નથી કે ભાજપે શોધેલો કે અમલી બનાવેલો કોઈ નવો કાયદો નથી.

      ઓચિંતો ઝઘડાનો મુદ્દો બનેલો તથા વિવાદનું કારણ બનેલો મુળ કાયદો ૧૯૭૬થી મહારાષ્‍ટ્રમાં અમલી પશુ સંવર્ધન કાયદો અને તેમાં ૧૯ વર્ષ પહેલા કરાયેલો સુધારો છે. જયારે આ આ મુળ સુધારો કરવામાં આવ્‍યો ત્‍યારે કોઈ વિવાદ કે ઝઘડો ઉભો કરવામાં આવ્‍યો ન હતો. ૧૯૭૬ના મુળ કાયદામાં જ ગૌહત્‍યા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્‍યો હતો. ૧૯૯૫માં ગૌહત્‍યાના મુળ કાયદામાં જે સુધારો કરવામાં આવ્‍યો તેમાં ગૌ-વંશના બળદો અને આખલાઓને પણ ગૌ-હત્‍યાનો પ્રતિબંધનમાં આવરી લેવાયેલા હતા. ૧૯૯૫ પહેલાના કાયદામાં એવી છટકબારી હતી કે ‘‘વધ માટે યોગ્‍ય છે” તેવુ બનાવટી પ્રમાણપત્ર મેળવીને બળદ તથા આખલાને મારી નાખી શકાતા હતા. ભેંસ કુળના પ્રાણીને ગૌ-હત્‍યા પરના પ્રતિબંધમાં કયારેય આવરી લેવાયા નથી. ગૌહત્‍યા પરના પ્રતિબંધ લાદતા કાયદામાં ૧૯ વર્ષ પહેલા કરાયેલા જૂના સુધારાને રાષ્‍ટ્રપતિએ પુનઃ મંજૂરીની મહોર મારતા ૧૯ વર્ષ પછી કારણ વિનાનો વિવાદ ઉભો કરવામાં આવ્‍યો છે.

      કોઈપણ કાયદો રદ કરાવવો હોય તો તે ગેરબંધારણીય છે તેવો આદેશ લેવા અદાલતમાં કાયદાની બંધારણીયતાને પડકાર ફેકવો પડે. પરંતુ એકવાર ગૌહત્‍યા પર પ્રતિબંધ લાદતો કાયદો બંધારણ અનુસાર હોવાનું અદાલતોએ વારંવાર નક્કી કરી દીધા પછી ફરીફરીને ગૌહત્‍યા પ્રતિબંધના કાયદાની કાયદેસરતાને ગેરવ્‍યાજબી રીતે ગેરબંધારણીય પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.

      ૧૯૯૫નાં મહારાષ્‍ટ્રના પશુસંવર્ધન કાયદામાં ૧૯ વર્ષ પહેલા કરાયેલા સુધારાની બંધારણીયતાને સમજવા માટે આપણે સૌએ ભારતના બંધારણની કલમ ૪૮ના વ્‍યાપને નજરમાં રાખવો જરૂરી છે.

      કલમ-૪૮ : ખેતી અને પશુ પાલનની વ્‍યવસ્‍થા

      ‘‘ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્‍યવસ્‍થા કરવાનો રાજય પ્રયત્‍ન કરશે અને ખાસ કરીને ગાયો અને વાછરડા અને બીજા દુધાળા અને ભારવાહક ઢોરની ઓલાદો જાળવી રાખવા અને સુધારવા અને તેમની કતલ ઉપર પ્રતિબંધ મૂકવા પગલા ભરાશે.”

      ભારતના બંધારણની કલમ – ૪૮માં જ રાજયને ગાય, વાછરડા અને બીજા દુધાળા પ્રાણીઓની કતલને પ્રતિબંધિત કરવાનો આદેશ કરવામાં આવેલો છે. આથી બંધારણના આદેશને અનુસરીને લદાયેલો કોઈપણ પ્રતિબંધ બંધારણ અનુસાર જ ગણાય.

      ગૌ-હત્‍યા પરના પ્રતિબંધની જોગવાઈ વધુ અસર કરવા બંધારણની કલમ ૪૮ને પુરક બને તે રીતે કલમ-૪૮-ક તથા કલમ-૫૧-ક(જ) પાછળથી ઉમેરવામાં આવી છે. આ બંને કલમોનો અભ્‍યાસ કરીએ તો,

      ૪૮-ક :- પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને અન્‍ય પશુ – પક્ષીઓનાં રક્ષણ બાબત

      ‘‘રાજય પર્યાવરણનું જતન અને એમાં સુધારણા કરવાનો અને દેશના જંગલો અને વન્‍ય-પશુ પક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્‍ન કરશે.”

      ૫૧-ક(જ) : જંગલો, તળાવો, નદીઓ અને વન્‍ય પશુ – પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્‍યે અનુકંપા રાખવાની રાજયની ફરજ છે.

      રાષ્‍ટ્રપતિએ જેના પર મંજૂરીની મહોર મારી અમલી બનાવ્‍યો છે તેવો મહારાષ્‍ટ્રના ગૌ-હત્‍યા પરના પ્રતિબંધ સંબંધી ૧૯ વર્ષ જૂનો સુધારો ખરેખર તો ભૂતકાળમાં પણ સર્વોચ્‍ચ અદાલતમાં અલગ અલગ સ્‍વરૂપે નિષ્‍ફળ રીતે પડકારવામં આવેલો જ છે. ગૌ-હત્‍યા પરના પ્રતિબંધ સંબંધી કાયદાને પડકારવા માટે જે નિષ્‍ફળ દલીલો આગળ ધરવામાં આવી હતી તે જ નિષ્‍ફળ દલીલો ફરી ફરીને મોદી સરકારને વિના કારણે બદનામ કરવા આગળ ધરવામાં આવી રહી છે.

      ભુતકાળમાં ધાર્મિક સ્‍વતંત્રતા સંબંધી બંધારણની કલમ – ૨૫ તેમજ કોઈપણ ધંધો કરવાના અધિકાર સંબંધી બંધારણની કલમ – ૧૯(૧)(જી) ને હથિયાર બનાવી ગૌહત્‍યા પરના પ્રતિબંધને પડકારાયો હતો.

      સર્વોચ્‍ચ અદાલત તથા વિવિધ હાઇકોર્ટોએ ગૌહત્‍યા તથા ગૌ-વંશની હત્‍યા પરના પ્રતિબંધ સામેના તમામ પડકારો ભુતકાળમાં ફગાવી દીધા છે. ગાય, બળદ કે આખલા કે ગૌ-વંશના વધને પ્રતિબંધિત કરતા કાયદા અને બંધારણ અનુસારનાં ઠરાવતી વખતે અદાલતોએ આવા પ્રતિબંધોને ધર્મ કે ધંધાના બંધારણીય અધિકારોના ભંગ સમાન ગણવાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કરી દીધો છે.

      મહોમ્‍મદ હનીફ કુરેશી વિરૂદ્ધ બિહાર રાજયના મુકદમામાં સર્વોચ્‍ચ અદાલતની પાંચ ન્‍યાયમૂર્તિઓની બંધારણીય બેન્‍ચે એવો સ્‍પષ્‍ટ ચુકાદો આપી દીધો છે કે, ગાયનો વધ કરવો એ તેમનો ધર્મ છે તેવુ દર્શાવવામાં મુસ્‍લિમ સમાજ સંપૂર્ણ રીતે નિષ્‍ફળ ગયો છે. ગૌ-હત્‍યા પરનો પ્રતિબંધ મુસલમાનોનાં ધર્મ પાળવાના અધિકારનો કોઈપણ ભંગ કરતો નથી. ગૌ-હત્‍યા એ મુસલમાનોનો ધાર્મિક અધિકાર હોવાનો કોઈ જ પુરાવો નથી. સર્વોચ્‍ચ અદાલતે ફરીને પヘમિ બંગાળ રાજય વિરૂદ્ધ આશિતોષ લહીરી તેમજ ગુજરાત રાજય વિરૂદ્ધ મિરઝાપુર મોટી કુરેશી કસાબ જમાતના મુકદમાઓમાં ગૌ-હત્‍યાના પ્રતિબંધને બંધારણની ભાવના અનુસારનો કાયદેસરનો ઠેરવી દીધો હતો.

      આમ, સર્વોચ્‍ચ અદાલતે ગૌ-હત્‍યા પરના પ્રતિબંધને મુસલમાનોના ધાર્મિક અધિકારો સાથે કાંઈ જ લાગતુ – વળગતુ નથી તેવુ સ્‍પષ્‍ટ ઠેરવી દીધુ છે, છતાં પણ આને આ જ મુદ્દો આગળ ધરી દેશમાં નવેસરથી વિવાદોને જન્‍મ આપી નરેન્‍દ્ર મોદીની નવી સરકારને બદનામ કરવાનો સુયોજીત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

      મહારાષ્‍ટ્રના ગૌ-વંશ સંબંધી કાયદાની જેમ જ ભુતકાળમાં ગુજરાતમાં ગૌ-વંશના વધ પરના પ્રતિબંધને પણ કસાઈઓના ધંધાકીય બંધારણીય હક્કોના ભાગ સમાન ગણાવી કાયદાકીય પડકાર ફેંકવામાં આવેલો હતો. ગુજરાત રાજય વિરૂદ્ધ મિરઝાપુર મોટી કુરેશી કસાબ જમાતના કાનુની જંગમાં સર્વોચ્‍ચ અદાલતની સાત જજોની બેન્‍ચ સમક્ષ સમગ્ર ગૌ-વંશના વધ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદતા કાયદાને કસાઈઓ માટે ગેરબંધારણીય ગણાવી પડકારવામાં આવ્‍યો હતો. કસાઈઓને ગૌ-હત્‍યાનો ધંધો કરવાનો કોઈપણ બંધારણીય અધિકાર નથી તેવુ સ્‍પષ્‍ટપણે વર્ષ ૨૦૦૫ના ઉપરોકત ચુકાદામાં સર્વોચ્‍ચ અદાલત દ્વારા ફરીવાર ઠરાવી દેવામાં આવેલુ છે. આજ સુધી સર્વોચ્‍ચ અદાલતે ગૌ-વંશ હત્‍યાના પ્રતિબંધને ધર્મ કે ધંધાના આડખીલી રૂપ માનવાનો કરેલો ઈન્‍કાર સંપૂર્ણપણે અમલી છે.

      ગુજરાત એક કૃષિ પ્રધાન અર્થતંત્ર ધરાવતુ રાજય છે અને તેથી બળદ, આખલા કે સાંઢ જેવા પ્રાણીને વધથી રક્ષણ પૂરૂ પાડવાની જરૂર છે તેવુ જે કારણ સર્વોચ્‍ચ અદાલતે ગુજરાતનાં કિસ્‍સામાં આવ્‍યુ છે તે મહારાષ્‍ટ્રને પણ એટલુ જ લાગુ પડે છે કારણ કે મહારાષ્‍ટ્ર પણ કૃષિ પ્રધાન અર્થતંત્ર ધરાવે છે.

      ગૌ-વંશના ઉપયોગનું વિસ્‍તૃત વર્ણન કરતા અદાલતે ઠરાવ્‍યુ હતું કે, ‘‘ભારતીય કૃષિ તંત્રની તથા અર્થતંત્રની કરોડરજ્જુ એટલે ગૌ-વંશનું સંવર્ધન.” ધંધાની સ્‍વતંત્રતા સંબંધી બંધારણની કલમ-૧૯(૧)(જી)ને ઢાલ બનાવી કસાઈનો ધંધો કરવાના અધિકાર સંબંધે ઉઠાવાયેલ બંધારણીય પ્રશ્નોનો જવાબ આપતા સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે, કસાઈઓને થોડી તકલીફ થાય છે કે, અન્‍યત્ર જવુ પડે તેમ છે તેટલા જ કારણો માત્રથી ગૌ-વંશના વધ પર પ્રતિબંધ મૂકતો કાયદો જનહિત વિરૂદ્ધનો ન જ ગણી શકાય.

      આવા સંજોગોમાં મહારાષ્‍ટ્રના સને ૧૯૯૫ના ગૌ સંવર્ધન કાયદાના સુધારાને અયોગ્‍ય ગણાવી કેટલાક અખબારી આલમના મિત્રોએ જગાવેલો વિરોધ – વંટોળ તદ્દન ગેરબંધારણીય છે કારણ કે મહારાષ્‍ટ્રનો કાયદો સંપૂર્ણ બંધારણીય છે.

      અભિનંદનીય ઘટના એ છે કે, જે મુસલમાનોના નામે ચોક્કસ તત્‍વો ધાંધલ – ધમાલ મચાવી રહ્યા છે તે જ મુસલમાનોનો બહોળો સમાજ દેશભરમાં ગૌહત્‍યા પર પ્રતિબંધ લાદવાની માંગ ઉઠાવી રહ્યો છે. રાજકારણીઓ, સમાજકારણીઓ, કલાકારો અને ચળવળકારો સહિતના દેશભરના અગ્રણી મુસલમાનો ગૌ-વધ પર પ્રતિબંધ હોવાનુ જરૂરી માની રહ્યા છે.

      મુસ્‍લિમ રાષ્‍ટ્રીય મંચ (એમ. આર. એમ.) અને મુસ્‍લિમ રીફોર્મેટીવ સોસાયટી (એમ. આર. એસ.) જેવી મુસલમાનોની અગ્રણી સંસ્‍થાઓ જોરશોરથી એવી માંગ ઉઠાવી રહી છે કે સમગ્ર દેશમાં ગૌહત્‍યા પર પ્રતિબંધ લાદી દેવામાં આવે.

      અખિલ ભારતીય મુસ્‍લિમ પર્સનલ બોર્ડના સહમંત્રી તથા મજલીશ- એ – તામીર – એ- મિલ્લતના પ્રમુખ એવા મોહમ્‍મદ અબ્‍દુલ રહીમ કુરેશી, મૌલાના આલીદ સૈફઉલ્લા રહેમાની, મૌલાના અનીસુર રહેમાન અઝમી, મૌલાના મુફતી નસીમ અહેમદ અશરફી તેમજ મૌલાના મુફતી મહેબુબ સરીફ નિઝામી જેવા અગ્રણી મુસ્‍લિમ વિચારધારકોએ પણ દેશભરમાં ગૌ હત્‍યા પર પ્રતિબંધ લાદવાની જોરદાર માંગણી કરી છે.

      આપણા સૌ માટે એ વિચારવાનો સમય પાકી ગયો છે કે આપણે ટી. આર. પી. માટે અને રાષ્‍ટ્રને વિભાજીત કરવા માટે નરેન્‍દ્ર મોદીને નિશાન બનાવી ગૌ-હત્‍યા પરના પ્રતિબંધના નામે કરાઈ રહેલી ઝેરી પ્રચાર ઝુંબેશ હવે કયાં સુધી સહન કરવી છે? રાષ્‍ટ્રીય એકતા, એકાત્‍મતા અને શાંતિ માટે નરેન્‍દ્ર મોદી કોમવાદી હોવાનો કાલ્‍પનિક ભય ઉભો કરી દેશને ગેરમાર્ગે નરેન્‍દ્ર મોદી કોમવાદી હોવાનો કાલ્‍પનીક ભય ઉભો કરી દેશને ગેરમાર્ગે દોરનારા તત્‍વોની સાન ઠેકાણે લાવવાનો સમય હવે પાકી ગયો છે. દેશને કેવો બનાવવો તે અધિકાર તો આપણો જ છે અને આપણો જ રહેવો જોઈએ.

      આલેખન : સંશોધન

      અંશ ભારદ્વાજ

      બી.બી.એ., એલ.એલ.બી. ત્રીજુ વર્ષ,

      જીંદલ ગ્‍લોબલ લો સ્‍કુલ (હરીયાણા),

      ઓ. પી. જીંદલ ગ્‍લોબલ યુનિવર્સિટી.

      (મો. ૦૯૭૨૭૪ ૭૩૭૩૦)

       

  

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: